Monday, August 24, 2009

સૂની પડેલી સાંજને આવી સજાવ તું

સૂની પડેલી સાંજને આવી સજાવ તું
ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું

જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું

હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું

આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું

પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

Sunday, August 9, 2009

વાત મારી વિસ્તરી છે ત્યારથી…


વાત મારી વિસ્તરી છે ત્યારથી…

શ્વાસમાં એને ભરી છે ત્યારથી…


આપણે છૂટાં પડયાંને જ્યારથી !

સાંજ મારી નીતરી છે ત્યારથી…

તું મને ભગવાનમાં દેખાય છે,

પ્રાથના તારી કરી છે ત્યારથી…


ગાજતું આકાશ ના વરસ્યું કદી,

હા,તમારી ખાતરી છે ત્યારથી…


ને ટહુકો ઝાડ પર બેસી ગયો,

યાદ તારી સાંભરી છે ત્યારથી…


સ્મિતની સાથે મને પણ લઈ ગયાં,

આંખ તારા પર ઠરી છે ત્યારથી…


એક ચ્હેરો જે મને ભૂલી ગયો,

આ કલમ બસ તરવરી છે ત્યારથી…