Thursday, October 8, 2009

એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે


એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે

એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે

આગળ પાછળ તારી એ

આખો દી ફરતો રાઉન્ડ રે…

એના આખા જીવનનું તું

લાગે છે કમ્પાઉન્ડ રે…

ક્યારેક આવી ખોલે છે તું…

કાચી ઊંઘે એક છોકરો રોમરોમનો gate કરે છે
ધીમે ધીમે પડશે સમજણ

કેવી છે આ થીમધોધમાર

તો પછી વરસવુંપહેલા તો રીમઝીમ…
તારા માટે તડપે છે એ…

નાહકનો એને તું who is that કરે છે

એવી કેવી મોંઘેરી તું…

Monday, September 28, 2009

સામે ચાલીને હવે ચર્ચા કરું છું

સામે ચાલીને હવે ચર્ચા કરું છું,
તારા પૂછ્યા વગરના સવાલનીમોસમ આવી છે કમાલની.....

સપનાનો સૂરજ જે આંખોમાં ઊગે,
એને દિવસે દેખાય રોજ તારા.

કોકવાર રૂબરૂમાં મલકી તું જાય,
ત્યારે ઉકલે અવસરનાં અણસારા.

દિવસ પણ ઊગવાનું યાદ રાખી
રોજ રોજ વાતો કરે છે આજકાલની.

જીવતરનો અર્થ પછી હોવું થઈ જાય,
એવે ટાણે સમજાઈ જાય તું,

ભીનપને લીલેરી લ્હેરખી ફૂટેને,
એવે ટાણે છલકાઈ જાય તું.

મુટ્ટીઓ સાચવીને રાખી મૂકી છે
મારા હૈયે ઊડેલા ગુલાલની.

Friday, September 11, 2009

સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે


સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે

આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે -


મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે-,

શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.


પેલો સૂરજ તો સાંજ ટાણે આથમી જશે

આંખોમાં તારી ઊગશે એને સલામ છે.


પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઇશ હું,

સપનામાં તારા આવીને મારે શું કામ છે ?


નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,

હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે !

Sunday, September 6, 2009

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…

Monday, August 24, 2009

સૂની પડેલી સાંજને આવી સજાવ તું

સૂની પડેલી સાંજને આવી સજાવ તું
ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું

જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું

હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું

આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું

પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

Sunday, August 9, 2009

વાત મારી વિસ્તરી છે ત્યારથી…


વાત મારી વિસ્તરી છે ત્યારથી…

શ્વાસમાં એને ભરી છે ત્યારથી…


આપણે છૂટાં પડયાંને જ્યારથી !

સાંજ મારી નીતરી છે ત્યારથી…

તું મને ભગવાનમાં દેખાય છે,

પ્રાથના તારી કરી છે ત્યારથી…


ગાજતું આકાશ ના વરસ્યું કદી,

હા,તમારી ખાતરી છે ત્યારથી…


ને ટહુકો ઝાડ પર બેસી ગયો,

યાદ તારી સાંભરી છે ત્યારથી…


સ્મિતની સાથે મને પણ લઈ ગયાં,

આંખ તારા પર ઠરી છે ત્યારથી…


એક ચ્હેરો જે મને ભૂલી ગયો,

આ કલમ બસ તરવરી છે ત્યારથી…

Friday, July 31, 2009

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !

તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,

એમ જ નજીવી વાતમાં ભુલાઇ જાય તું !

કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,

આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !

Thursday, July 23, 2009

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં, સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં

પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને, તારી ગલીને એ હવે સજાવશે નહીં.

તું પણ બનીને દોસ્ત છોને આવતો ખુદા, તું પણ જરૂર હશેને ત્યારે આવશે નહીં

લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે, સામે ઊભી હશે અને લખાવશે નહીં.

આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને, ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

Tuesday, July 21, 2009

હવે ચોમાસું બારેમાસ છે!

લે, હવે ચોમાસું બારેમાસ છે,
કો'ક એવું આપણામાં ખાસ છે.

શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.

મન ભરીને માણવાનું થાય મન,
એક એવો શોધવાનો શ્વાસ છે.

આપણે ખાલી થવાનું હોય છે,
જિંદગી પણ એક કટકો વાસ છે.

એક પંખી જેમ તું ઊડી ગઈ,
ને અમારા હાથમાં આકાશ છે.

Saturday, July 18, 2009

દોસ્ત ઍટલે?

દોસ્ત ઍટલે?
દોસ્ત ઍટલે આપણી કિટ્ટા હોય
ત્યારે
આપણને મનાવતોચહેરો....

દોસ્ત ઍટલે
બાળપણમાં તોફાન કરતાં પાકડાઈ જવુ
અને
સાહેબે ક્લાસરુમની બહારસાથે પકડવેલા આંગૂઠા....


સૂરજ તપતો હોય ત્યારે
પોતાના છાંયાડામાં છવાઈ જવાનું
આમંત્રાણ આપે ઍ દોસ્ત.

ઍને જોઈને "આ આપણો જ છે" નું
લેબલ મારવાનુ મન થાય...

Friday, July 17, 2009

ટહુકો

ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી ?
તને કહું છું જૂનો લહેકો થઈને કઈ રીતે આવી ?

તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી ?

ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર,
નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી ?

તને દરરોજ જોઉં છું સતત મારા ઉપર હસતાં,
ઉદાસી આજ ઉમળકો થઈને કઈ રીતે આવી ?

પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી ?