Friday, July 31, 2009

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !

તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,

એમ જ નજીવી વાતમાં ભુલાઇ જાય તું !

કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,

આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !

Thursday, July 23, 2009

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં, સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં

પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને, તારી ગલીને એ હવે સજાવશે નહીં.

તું પણ બનીને દોસ્ત છોને આવતો ખુદા, તું પણ જરૂર હશેને ત્યારે આવશે નહીં

લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે, સામે ઊભી હશે અને લખાવશે નહીં.

આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને, ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

Tuesday, July 21, 2009

હવે ચોમાસું બારેમાસ છે!

લે, હવે ચોમાસું બારેમાસ છે,
કો'ક એવું આપણામાં ખાસ છે.

શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.

મન ભરીને માણવાનું થાય મન,
એક એવો શોધવાનો શ્વાસ છે.

આપણે ખાલી થવાનું હોય છે,
જિંદગી પણ એક કટકો વાસ છે.

એક પંખી જેમ તું ઊડી ગઈ,
ને અમારા હાથમાં આકાશ છે.

Saturday, July 18, 2009

દોસ્ત ઍટલે?

દોસ્ત ઍટલે?
દોસ્ત ઍટલે આપણી કિટ્ટા હોય
ત્યારે
આપણને મનાવતોચહેરો....

દોસ્ત ઍટલે
બાળપણમાં તોફાન કરતાં પાકડાઈ જવુ
અને
સાહેબે ક્લાસરુમની બહારસાથે પકડવેલા આંગૂઠા....


સૂરજ તપતો હોય ત્યારે
પોતાના છાંયાડામાં છવાઈ જવાનું
આમંત્રાણ આપે ઍ દોસ્ત.

ઍને જોઈને "આ આપણો જ છે" નું
લેબલ મારવાનુ મન થાય...

Friday, July 17, 2009

ટહુકો

ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી ?
તને કહું છું જૂનો લહેકો થઈને કઈ રીતે આવી ?

તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી ?

ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર,
નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી ?

તને દરરોજ જોઉં છું સતત મારા ઉપર હસતાં,
ઉદાસી આજ ઉમળકો થઈને કઈ રીતે આવી ?

પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી ?